વાવણી
વાવણી
આવ્યો અષાઢ ગગન ગાજ્યો હાથિયો
હરખાયો ખેડું છે ધોરીડા જેનાં સાથિયો,
સૂકું ભઠ લાગતું ખેતર ભીંજવ્યું વાદળે
ખાતર માટી ભળે ઇન્દ્રની આ ઘંટી દળે,
શણગારી બળદિયા શુકને જોડ્યું દંતાર
ખેત ખેડુ ખાતરે ઝણઝણ્યાં દિલનાં તાર,
મુઠી ધાન છૂટ્યું હાથથી ચાસે સીધી હાર
ઝરમરતે વરસાદે ખીલી ઊઠી છે બહાર,
વાવતાં વળી વળતાં ગીતડાં ઘેર ગાતાં
લીલાલહેર બાળ ગોપાલ લાપસી ખાતાં,
નીકળ્યાં સૂરજદેવ પછી તો રોજ સવારે
કાળા ચાસે નીકળી લીલી કૂંપ અસવારે,
લીલકાઈ સીમ જાણે ઓઢી સુંદર સાલ
ગુંજે પંખીડાં ખેતરે લણણી કરશું કાલ,
વાવ્યું મુઠી અન્ન ભરશે ભંડાર ધન તણા
વાવણી લણણી પાક્કા રહ્યાં બહેનપણાં,
આવ્યો અષાઢ ગગન ગાજ્યો હાથિયો
આસો માસે ફસલ હણવાં ચાસ નાથિયો.
