તમારું શહેરી જીવન
તમારું શહેરી જીવન


મારું શહેરી જીવન છે, ખૂબ જ મઝાનું અને મસ્ત મસ્તાન છે,
મારું શહેરી જીવન છે મારા માટે એક રમતનું મેદાન, જે મને રાખે યુવાન છે,
ગામડાથી પલાયન થઈ ને નથી આવ્યો હું કાંઈ આ શહેરમાં,
મારા સપનાંને પૂરા કરવાનું સ્વીકાર્યું સહર્ષ આહવાન છે,
મારું શહેર હંમેશા રહે છે જાગતું, મારું શહેર ક્યારે સૂતું નથી,
મારા શહેરમાં તો, મારું રાત્રી જીવન પણ જાજરમાન છે,
પારકા શહેરમાં પણ જો હોય પોતાનું ઘર, તો શહેર લાગે વધુ પોતીકું,
આ શહેરમાં મારે પણ, આલીશાન ઘર બનાવવાના અરમાન છે,
ગામડાની શાંતિ અને નિરાંત ભર્યા જીવન માટે વિચારશું, જતી ઉમરે,
અત્યારે તો છે ઝૂમવું અને ઝઝૂમવું, જિંદગીના સંગ્રામમાં નથી કરવા કોઈ સમાધાન છે,
અરાજકતા, અવ્યવસ્થા અને ઝડપ હોય છે શહેરી જીવનનો ભાગ,
આ મર્યાદાનો સ્વીકાર કરી લેવો, એ શહેરી જીવનનું જ્ઞાન છે,
કોઈ ભલે ને મારા શહેરને માનતું હોય સિમેન્ટનું જંગલ,
જંગલમાં મંગલ કરીને આગળ વધવું એ મારું આત્મજ્ઞાન છે,
આ શહેર છે અહીંયા સંત થઈને રહેવું બની રહે છે ખૂબ જ મુશ્કેલ
અહીંયા તો ‘જીવંત’ રહેવું એટલું જ સફળતાનું અનુસંધાન છે,
મારા શહેરી જીવને મને આપી છે અસીમ શક્યતાઓ,
મારું શહેરી જીવન પ્રેરણા, સાહસ, તક અને આશ્ચર્યનું આસમાન છે,
મને શહેરી જીવનના ઘોંઘાટમાં પણ સંભળાય છે એક પ્રેરણાની તાન ‘સૌરભ’
શહેરી જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રગતિ કરવામાં શાન અને સન્માન છે.