સરદારનું ગીત - ર૭
સરદારનું ગીત - ર૭
હૈડિયા વેરો-૧ (ઈ,સ, ૧૯ર૩)
હવે વલ્લભભાઈના, બોરસદે મુકામ રે;
બહારવટિયા લૂંટે, આ બોરસદ ગામ રે,
પોલીસ ન શકે બાંધી, થઈ જાય નિરાશ રે;
દોષનો ટોપલો ઢોળે, લોકો ઉપર ખાસ રે,
બહારવટિયાને તો, આશ્રય છે અપાય રે;
તેથી પોલીસથી એને, પકડી ન શકાય રે,
લોકો ઉપર પોલીસે, આવું નાખેલ આળ રે;
કોની આગળ આ લોકો, કાઢે હૈયાવરાળ રે,
મુકાણી વધુ પોલીસ, લોક રક્ષાણકાજ રે;
પોલીસ ભોગવે આવી, લોકો ઉપર રાજ રે,
પોલીસનો બધો ખર્ચો, લોકો માથે નખાય રે;
એના માટે કરી લીધી, દંડની જોગવાય રે,
કે’વાયો હૈડિયા વેરો, એવો નાખેલ દંડ રે;
પોલીસ કરવા લાગી, એથી વધુ ઘમંડ રે,
કરી વલ્લભભાઈને, લોકોએ ફરિયાદ રે;
તપાસ કરવા માંડી, ટાળવા વિખવાદ રે,
વિગતોના મસાલાનો, થઈ ગયેલ ગંજ રે;
ચોખવટ કરી નાખે, જેથી રહે ન રંજ રે,
રવિશંકર જેવાનો, પૂરો મળેલ સાથ રે;
સાથે મોહન પંડયાજી, દેતા રહેલ હાથ રે,
અત્યાચારો સહે જેઓ, એનો થયેલ દંડ રે;
દેનાર સાથ ગુંડાને, ફરે વગર દંડ રે,
આવું વલ્લભભાઈથી, જરાયે ન સહાય રે;
આપી સલાહ લોકોને, આ દંડ ન અપાય રે,
લડત કાજ લોકોને, કર્યા છે સાવધાન રે;
સરકાર ભલે લૂંટે, મૂકવું ન સ્વમાન રે,
સ્વયંસેવક તૈયાર, લડત કાજ થાય રે;
ભેદભાવ બધા મૂકી, એક બની લડાય રે,
**
આ સ્વયંસેવકોમાંથી, ટુકડીઓ પડી ગઈ;
લડવા ટુકડી મોર્ચે, હર્ષથી હાલતી થઈ.
(ક્રમશ:)
