સરદારનું ગીત - ૯૦
સરદારનું ગીત - ૯૦
મારી અંજલિ
હતા પુરુષ લોખંડી, દેશ ઉગારનાર રે;
ને બહાદુર ખંતીલા, નીડર સરદાર રે,
દુ:ખમાં કરતા નો’તા, જરાય ઊંહકાર રે;
મુશ્કેલીમાં ડરે તેવા, નહોતા સરદાર રે,
પકડી હઠ છોડે નૈ’, પાલન કરનાર રે;
ઝૂકાવે અભિમાનીને, વીરલા સરદાર રે,
અડગ દૃઢતા રાખી, આગળ વધનાર રે;
મક્કમ મનના તેઓ, કોમળ સરદાર રે,
તોફાનો દાબતા જાય, સાધતા સહકાર રે;
લોકોની કરતા સેવા, દયાળુ સરદાર રે,
સત્યાગ્રહ કરી તેઓ, લોકો જગાડનાર રે;
જોઈ સંગ્રામ ભાગે નૈ, સૈનિક સરદાર રે,
લડત બારડોલીની, સફળ કરનાર રે;
ત્યાંથી ખેડૂતના તેઓ, બનેલા સરદાર રે,
મળતી હારને જોઈ, ધૂંધવે સરકાર રે;
કણાની જેમ ખૂંચેલા, તેમને સરદાર રે,
આઘાત મનમાં દાબી, ખુશ રૈ ફરનાર રે;
પહાડ જેમ આત્માથી, બનેલા સરદાર રે,
કોઈના કાજ પોતાના, લાભને છોડનાર રે;
કષ્ટો ભોગવતા જાતે, ત્યાગીલા સરદાર રે,
હસી પડે ગમે તેવા, ટીખળ કરનાર રે;
હવાને ફેરવી નાખે, વિનોદી સરદાર રે,
સામે આવેલને તેઓ, જલદી આંજનાર રે;
ને ધગધગતી વાણી, બોલતા સરદાર રે,
શિષ્ય થયેલ ગાંધીના, નિયમો પાળનાર રે;
ગાંધીને લાવતા વચ્ચે, કદી’ ન સરદાર રે,
અખંડ દેશ સોંપીને, જીવન છોડનાર રે;
રહેશે મનમાં સૌના, વહાલા સરદાર રે,
**
એનાં ભલાં હતાં કામ, વાતોય એમની ભલી;
આજેય એમની યાદે, આપે ’સાગર’ અંજલિ.
(પૂર્ણ)
