સરદારનું ગીત - ૧ર
સરદારનું ગીત - ૧ર
રાજકીય પ્રવેશ (ઈ,સ, ૧૯૧પ-’૧૬)
ગુજરાત સભા દ્વારા, રાજ્યનું કામ થાય રે;
અમદાવાદમાં ત્યારે, પરિષદ ભરાય રે,
સાથે વિઠ્ઠલભાઈની, વલ્લભ પણ જાય રે;
રાજકારણમાં ઠંડા, રસ નો’તો જરાય રે,
ગાંધીની વાત તેઓને, આકર્ષી ન શકેલ રે;
ધીમે ધીમે છતાં તેનું, આકર્ષણ થયેલ રે,
મિત્ર આગ્રહથી તેઓ, સભાના સભ્ય થાય રે;
કમિશનરને જેથી, અંકુશમાં રખાય રે,
ગોધરામાં હવે એક, પરિષદ ભરાય રે;
કામ ચાલુ રહે માટે, કારોબારી રચાય રે,
તેમાં વલ્લભભાઈને, તેના મંત્રી નિમાય રે;
જેથી જવાબદારીથી, સતત કામ થાય રે,
કરવાનો હતો તેણે, વેઠધારા વિરોધ રે;
કમિશનરને કર્યો, પત્રથી અનુરોધ રે,
તે સાહેબ પત્રો વાંચી, ગુસ્સે ખૂબ ભરાય રે;
ફાડી નાખી પત્રોને ત્યાં, ટોપલીમાં નખાય રે,
લાગ્યું વલ્લભભાઈને, પ્રજાનું અપમાન રે;
લખ્યા બીજા પત્રો જેથી, સા’બને થાય ભાન રે,
સાહેબને પત્રે ત્રીજે, ચેતવણી અપાય રે;
તોયે સાહેબ માન્યા નૈ, પત્રિકાઓ છપાય રે,
પત્રિકા ગામડાંઓમાં, ઘેર ઘેર અપાય રે;
જેનાંથી વેઠધારામાં, ત્રાસ ઓછો કરાય રે,
અમદાવાદમાં ત્યારે, પ્લેગ થૈ નીકળેલ રે;
તેઓએ કામદારોના, જુસ્સાને જાળવેલ રે,
એના પછી પડેલો ત્યાં, ભયંકર દુકાળ રે;
એમાં રાહત દેવામાં, કરેલ દેખ-ભાળ રે,
ત્રીજી આફતનો માર, તાવરૂપે પડેલ રે;
ગુજરાત સભા ત્યારે, મદદમાં રહેલ રે,
**
રંગાયા છે હવે તેઓ, ગાંધીના ખૂબ રંગમાં;
હીરલો દેશસેવામાં, આળોટતો ઉમંગમાં.
(ક્રમશ:)
