સરદારનું ગીત - ૧૯
સરદારનું ગીત - ૧૯
ગાંધીને મળ્યો હીરો (ઈ,સ, ૧૯૧૯)
એ સત્યાગ્રહ ખેડાનો, ગાંધીજીને ફળેલ રે;
વલ્લભ નામનો હીરો, ત્યાં તેઓને મળેલ રે,
કરી વલ્લભભાઈએ, ગાંધીજીને સહાય રે;
કામ હોય ગમે તેવું, તેઓ આગળ થાય રે,
અમદાવાદમાં પાડે, મજૂરો હડતાળ રે;
સમજૂતી કરાવીને, કરાવે માંડવાળ રે,
સૈન્ય ભર્તી કરી આપે, અંગ્રેજોને સહાય રે;
મન દુભાય લોકોનાં, કેમ તૈયાર થાય રે ?
દુશ્મનોની સહાયે તો, કેમ કરી જવાય રે ?
આવી આ વાત લોકોને, જરા ન સમજાય રે,
ગાંધી-વલ્લભ આમાં કૈં, જુદો કરે વિચાર રે;
લોકો શીખી શકે એમાં, તાકતાં હથિયાર રે,
આવો સરસ મોકો છે, એ મૂકી ન શકાય રે;
પરંતુ જર્મની જીત્યું, ને ભર્તી રદ થાય રે,
રોલેટ કાયદો આવ્યો, એનો થયો વિરોધ રે;
લોકોમાં કાયદાથી આ, વ્યાપી ગયેલ ક્રોધ રે,
કર્યા અનેક લોકોએ, એ માટે ઉપવાસ રે;
કેટલોક સહે લોકો, અંગ્રેજી ઉપહાસ રે,
કરી વલ્લભભાઈએ, જિંદગી દેશ નામ રે;
પત્રિકા છાપવામાંયે, હોંશે કરેલ કામ રે,
ગાંધીને જેલમાં પૂર્યા, સાંભળતાં જ વાત રે;
લોકો ચડેલ તોફાને, પોલીસ થૈ મહાત રે,
ખૂંદે વલ્લભભાઈ તો, શાંતિ માટે શહેર રે;
ઘાયલોને પહોંચાડે, મદદ ઘેરઘેર રે,
ગાંધીજીની અવેજીમાં, લીધું હતું સુકાન રે;
ડામવા રમખાણોને, કાર્ય કર્યું મહાન રે,
તંગદિલી કરી શાંત, જૂઠ પાડયું બહાર રે;
તોયે મૂકી શકે કેમ, વિશ્વાસ સરકાર રે,
**
ગાંધીના સાથમાં તેઓ, ઝઝૂમતા પળેપળ;
દેશ બચાવવા માટે, બુદ્ઘિનું વાપરે બળ.
(ક્રમશ:)
