સમય
સમય
સમય ક્યારેય કોઈનો ખરાબ કે સારો નથી હોતો,
બસ, ક્યારેક તારો ને ક્યારેક મારો નથી હોતો !
પ્રતિભાઓ ઝળહળે છે સંસારના બજારમાં ચોમેર,
કોઈને સફળતા, તો કોઈને સમયનો સથવારો નથી હોતો,
સમયના વહેણમાં ધીરે ધીરે વહી જાય છે બધું,
અહીં કોઈ સામા પૂરમાં તરનારો નથી હોતો,
દુઃખ હોય, ત્યારે જ સારા નરસાની પરખ થાય છે,
સુખના સમયમાં તો માણસનો વરતારો નથી હોતો,
સમયને સમજી લેજે, સમયસર શક્ય હોય તો,
આજે ગયો, એ કાલે પાછો ફરનારો નથી હોતો,
સમય સરકતો જ જાય છે મુઠ્ઠીમાં ભરેલ રેતીની જેમ,
એને કોઈ મુઠ્ઠીમાં બાંધીને રાખનારો નથી હોતો.