સ્મૃતિઓ મારા સાજનની
સ્મૃતિઓ મારા સાજનની
હવે જીવવાનો એક માત્ર સહારો છે સ્મૃતિઓ મારા સાજનની,
પળ પળની ખુદખુશીમાંથી બચાવે છે સ્મૃતિઓ મારા સાજનની !!
ઝંખનાઓનો હિમાલય થીજીને થયો સ્થિર એક હૂંફની આશામાં,
ગંગા જમના બની પીગળી રહી હવે સ્મૃતિઓ મારા સાજનની !!
અતીતની પાનખર રોજ ટકોરા મારે એક પગરવ બની,
હવે દર્દની વસંત બની ખીલી રહી સ્મૃતિઓ મારા સાજનની !!
મધરાતે પડઘાય એક વાંસળી ખામોશીની ચાર દીવાલો વચ્ચે,
સૂર સન્નટાનો રેલાય ટહુકો બની સ્મૃતિઓ મારા સાજનની !!
સવાર સાંજ ધૂંધલકામાં ચહેરો એક નજરે ચડે રોજ રોજ,
મારો જ પડછાયો મને છેતરે બની સ્મૃતિઓ મારા સાજનની !!
મહેફિલોમાં મુસ્કુરાહટ અને એકાંતમાં આંસુઓ છે સહારો,
જીવવાનું કેટલું આસાન કરી દે છે સ્મૃતિઓ મારા સાજનની !!
હવે "પરમ" અરમાનો ઉઠ્યા છે આળસ મરડીને એકાંતમાં,
કોણ જાણે ક્યાં લઈ જશે આ "પાગલ" સ્મૃતિઓ મારા સાજનની !!