ફરેબ
ફરેબ


ટોળામાં એકાંત અટવાય છે જ્યારે, ત્યારે દ્રષ્ટિ ફરેબ ખાય છે,
જેમાં તરતી હતી, એમાંજ એક દિવસ કશ્તી ફરેબ ખાય છે !!
ભર ચોમાસે આ દરિયો ખુદ તરસ્યો, જન્મ્યો ત્યારથી,
તપતા રણમાં મૃગજળથી હર તરસ ફરેબ ખાય છે !!
કળીઓ કુમળી મસળાઈ બાગમાં જ્યારે જાલીમના હાથે,
હર ફૂલ મૂરઝાતા પહેલા બાગના માળીથી ફરેબ ખાય છે !!
સમય ખુદ છેતરાયો, બંધાયો એ જ્યારથી માણસના હાથે,
ને છૂટો પડી ક્ષણોમાં વિખેરાઈને સમય ખુદ ફરેબ ખાય છે !!
ચહેરા ઉપર ચહેરા ને મોહરા ઉપર મોહરા એટલે માણસ,
ને જે સત્ય કહેતો રહ્યો આજ સુધી એ દર્પણ ફરેબ ખાય છે !!
ખુદ ઘેરાયો છે હવે પ્રગતિના પ્રકાશ બિંબોની વચ્ચે આદમી,
ત્યારે દિગભ્રમિત માનવી ખુદની છાયાઓથી ફરેબ ખાય છે !!
કંદરાઓમાં મરી પરવારી છે નૈસર્ગીકતા જ્યારથી અહીં,
ટહૂકાના પડઘાઓથી હવે પક્ષીનો કલરવ ફરેબ ખાય છે !!
આભાસી સપનાઓ એટલા તો સત્ય લાગ્યા કે ન પૂછ વાત,
જમીની હકીકતોથી એટલે જ રોજ નજર ફરેબ ખાય છે !!
"પરમ" તારી પાછળ સુવાસ થઈ ગઈ હવા મારી શ્રદ્ધાની,
હવે તારી પાછળ "પાગલ" થઈ રંગ પ્રતિક્ષાનો ફરેબ ખાય છે !!