ઈચ્છાઓ
ઈચ્છાઓ


અદ્રશ્ય આગ સળગે અંતરમાં તોય ઈચ્છાઓ બળતી નથી,
છે હૈયાના હિમાલયે મધ્યાહ્ન તોય ગંગા બની ઓગળતી નથી !!
ધરા ને આકાશ જેવા મિલનની ઈચ્છાને પંપાળે મન મારૂં,
ક્ષિતિજે જઈ જોયું તો ખરેખર આકાશને ધરા મળતી નથી !!
એક મરે ને હજાર ઊભા થતા અનંત ઈચ્છાઓના તરંગો,
હાંશ હૈયાની થઈને એ સંતોષના સમંદરમાં ભળતી નથી !!
પ્રકાશની ઝંખનામાં ઈચ્છાઓ અટવાતી અંધારના અરણ્યમાં,
મુજ સ્વના અંતર આકાશે સિતારો બની ઝળહળતી નથી !!
ઈચ્છાઓની કબર ઉપર મરમ જીવતરના ભવનનો,
કોણ જાણે કેમ એ મરવા છતાંય શું કામ મરતી નથી !!
ભસ્મમાં ભળીને પણ આગળ વધતી રહેતી જન્મે જન્મે,
મનની ફળદ્રુપ જમીન વિના ઈચ્છાઓ કદી પનપતી નથી !!
મારા હર બે "પરમ" શબ્દ વચ્ચે મહેકે ઈચ્છાઓનો બાગ,
"પાગલ" ઈચ્છા વિના, કાગળ પર ગઝલ પણ પાંગરતી નથી !!