કેવો અભિનય કરાવી જાય છે!
કેવો અભિનય કરાવી જાય છે!


પ્રભાતે ઊગે સૂર્ય સાંજ ઢળે આથમી જાય છે
આ દિવસ દરમિયાન કેટકેટલું થઇ જાય છે,
જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !
કળી, ફૂલ બની ખીલે ને કરમાઈ જાય છે,
કદાચ, એ જીવનનો મર્મ સમજાવી જાય છે,
જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !
માણસ ખાલી હાથ આવ્યા ને ખાલી જાય છે
છતાં, જિંદગી ભેગું કરવામાં વેડફાઈ છે,
જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !
નાયક તો સદા એના એ જ રહે છે
બસ, વાર્તા રોજ એની બદલાઈ જાય છે,
જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !
આંખે ભર્યો આંસુનો અફાટ સાગર,
હોઠો પરનું સ્મિત સહર્ષ છુપાવી જાય છે,
જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !
કર્મ જે સંચિત કરીએ એજ ફળી જાય,
જાણવા છતાં સૌ કેમ અજાણ રહી જાય છે,
જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !