શ્યામ દિવાની
શ્યામ દિવાની
મારા સપનામાં શામળિયો આવ્યો રે આજ
મીઠી મધુરી શી મોરલી વગાડતો રે લોલ
પલકો ઝૂકાવી ત્યાં તો ઝાંઝરિયું દેખાયું
પલકો ઉઠાવી ત્યાં તો મોરપિચ્છ લહેરાયું
હું તો ઝબકીને જાગી એના સ્વાગતને કાજે
એવી અનરાધાર વરસી એની મુરલીના નાદે,
ગોકુળિયું ગામ જાણે વૃંદાવન ધામ અહીં
હું તો રાસલીલા રમવાને વનરાવન જોઉં અહીં
દર્શનની ઝાંખી કરૂં તારા પ્રેમની બંધાણી
હું તો શામળાના રંગે આજ કેવી રંગાણી,
મનમોહન મનલુભાવન તારી આરતી ઉતારું
રંગરસિયા શામળિયા તારી નજરું ઉતારું
અલબેલા મતવાલા પ્રીત સાથે પધાર્યા
વૃજવનિતા સંગ શામળાને ઝૂલે ઝૂલાવ્યા,
રંગભીના રાસબિહારીને નીરખું ધારી ધારી
રાધા સંગ માધવ પર હું જાઉં વારી વારી
દિવ્ય મનોહર છબી મનમંદિરે સજાવી
શામળિયાને પામી ધન્ય થઈ શ્યામ દિવાની.

