સહેલું નથી
સહેલું નથી
અધરે ધરી બંસીને સૂર મીઠાં રેલ્યાં પણ, કાન્હાની વેદના અજાણી,
ભાલ ધરી બિંદી હું સંબંધે બંધાઈ ત્યાં, બંસરીનો ભાર લીધો જાણી,
ના ! એમ સહેલું નથી વેદનાને શ્વાસમાં ભરી ગાવું,
ના ! એમ સહેલું નથી બંસી થૈ કાન્હાને અધરે સજાવું,
ના ! એમ સહેલું નથી સંબંધોના બંધને બંધાવું,
છોડયાં માં-બાપને છોડ્યા ઘરબાર પછી, સાસરિયે જઈને સમાવું,
ઓગાળી ખુદને ત્યાં એકરસ થાવામાં, જાતથી વિખૂટાં પડી જાવું,
સઘળું સમર્પિત કરીને'ય અંતે તો, પારકી જણી જ હું કહાવું,
ના ! એમ સહેલું નથી નારીનું નારાયણી કહાવું,
ના ! એમ સહેલું નથી સંબંધોના બંધને બંધાવું,
જન્મેથી જેને છૂટયાં માં-બાપ તોયે, જે કૈં મળ્યું એ અપનાવ્યું,
રાધાની પ્રીતને મિત્રોનો સાથ છૂટ્યો, તોયે કાન્હે મુખડું મલકાવ્યું,
જન્મેથી સંબંધો કરતાં કસોટી ભલે, ઈશ તોય છૂટી ના શકાયું,
ના ! એમ સહેલું નથી ઈશ્વરનું માનવ થઈ જાવું
ના ! એમ સહેલું નથી સંબંધોના બંધને બંધાવું,
સમય, સંજોગોને કર્મને આધીન, ફરજો સદા નિભાવી જાણવું,
ન આર્ત ન રૌદ્ર ધ્યાન કદીયે કાન્હા, વહેણે સમયના વહી જાવું,
સમભાવે સુખ-દુઃખ સહીને માનવ રૂપે, જગને પદચિહ્નો દઈ જાવું,
ના ! એમ સહેલું નથી માનવ થૈ ઈશ રૂપે પૂજાવું,
ના ! એમ સહેલું નથી સંબંધોના બંધને બંધાવું.
