સહેજ આછા અજવાળે દીઠી મેં ચાવી
સહેજ આછા અજવાળે દીઠી મેં ચાવી
સહેજ આછા અજવાળે દીઠી મેં ચાવી,
ઓરતાની ચાસમાં દીધી એને વાવી.
અંધારા આયખાને ફંગોળ્યા રાખે,
ને આંખોમાં અંધારનો શુરમો લગાડે,
આ કાળાશને ન આમ ક્યાંક ભગાવી,
ક્યારેય રોશનીની જ્યોત ના જગાવી,
દંભના ઝેરનું તો લાગ્યું એવું ઘેલું,
કે દીપકને ઘરમાંય ક્યાય નાં મેલું,
અમથું અમથું આ કાંટાઓ વાવી,
લેવાને કેરી આ નજરું લગાવી.
કુંજીની શોધમાં દાયકાઓ લાગ્યા,
તોય ગાઢ નિન્દ્રાના સ્વપ્નો ના ભાગ્યા,
શમણાની આડમાં વેર ફેલાવી,
ઝેરની આ જ્વાળાને સઘળે રેલાવી.
છેવટે ક્યાંક ઝાંખું અજવાળું દીઠું,
ને આંખોનાં પરદાને પાડ્યા હેઠું,
ઝાંખા અજવાળે જ્યાં નજર દોડાવી,
ત્યાં જ આ ચાવી દોડતી આવી.