રમવા જઈએ
રમવા જઈએ
વરસાદ સાથે રમવા જઈએ
તળાવમાં તો તરવા જઈએ,
દેડકા સાથે ડ્રાઉં કરીએ
મોર સાથે ટહુકા કરીએ
વરસાદ સાથે રમવા જઈએ,
નદીમાં ફરવા જઈએ
પક્ષી સાથે કલશોર કરીએ
પતંગિયું થઈ ઊડીએ
વરસાદ સાથે રમવા જઈએ,
ઊંચા આકાશમાં ફરીએ
વાદળી સાથે વાતો કરીએ
ટમટમતા તારલા બનીએ
વરસાદ સાથે રમવા જઈએ,
વીજળી થઈ ધરાને મળીએ
પવનમાં થરથર ધ્રુજીએ
ઝાડ પર ફોરાં બનીએ
વરસાદ સાથે રમવા જઈએ,
ટીપે ટીપે ઝરમર વરસીએ
નદી નાળાને છલકાવીએ
ઝરણાનું જળ થઈ રહીએ
વરસાદ સાથે રમવા જઈએ.
