રહેવા દે
રહેવા દે
ન થોપ તું મુજપર તારા વિચારો, રહેવા દે,
જમાના મને મારી નજરમાં સારો રહેવા દે,
નહિ માફ કરી શકું મને જો બદલી જઈશ,
મારી આ સોચ પર મારો ઈજારો રહેવા દે,
ઘસાયો છું કાયમ બધી જ બાજુએથી,
બને તો હવે છોડ, વધુ ઘસારો રહેવા દે,
મહેનત ઘણી લાગી છે પહોંચવાને અહીં,
હમણાં બુલંદ આ મારો સિતારો રહેવા દે,
ઓછી નથી પરેશાનીઓ આ 'સ્તબ્ધ'ની ક'ને
ન કર એમાં હવે કોઈ વધારો, રહેવા દે,
કરીને આંખ બંધ પણ મેં જોઈ લીધું છે,
જેવો આવે નજરમાં તેવો નજારો રહેવા દે,
સાંખી નથી શકવાનો તને, છે ખબર મને,
મારી સાથે આ સ્વભાવ મારો રહેવા દે.
