પૂછો નહીં
પૂછો નહીં
મન વિશે પૂછો નહીં, જીવન વિશે પૂછો નહીંં,
છે ખિઝાં ચારેતરફ, ચમન વિશે પૂછો નહીં,
સમંદર છે જિંદગી, ઉપર તરે છે સૌ અહીં,
ડૂબ્યાં નથી જે એમને, ગહન વિશે પૂછો નહીં,
પંછી નથી જોજો જરા, એ માનવીની જાત છે,
ધરા વિશે પૂછો એને, ગગન વિશે પૂછો નહીં,
સત્યને જોવા સમજવાની મતિ જેને નથી,
ધૃતરાષ્ટ્રને આ આજના, નયન વિશે પૂછો નહીં,
શબ્દ નીકળે છે બધા કડવા જ હવે 'સ્તબ્ધ'થી,
કવન છે તૈયાર પણ, પઠન વિશે પૂછો નહીં,
શું કબર ને શું સમાધિ, મોતનાં બે નામ છે,
છૂટી ગયા જે એમના, કફન વિશે પૂછો નહીં.