નંદના દુલારા
નંદના દુલારા
નંદના દુલારા મારા યશોદાના લાલે,
કાનુડાએ કામણ કર્યા રે લોલ,
મટકી ફોડી માખણ ચોર્યા મારા વહાલાએ,
સખાઓ સંગ ધેનુ ચાર્યા રે લોલ,
રાધા સંગ રાસ રચાયો રંગરસિયાએ,
ગોપીઓ સંગ રાસ ખેલ્યા રે લોલ,
યમુનામાં કાળીનાગ નાથ્યો કનૈયાએ,
જળકમળે નાચ નાચ્યા રે લોલ,
મામા કંસના ગુમાન ઉતાર્યા દેવકીનંદને,
કુબજા કેરા દુ:ખ હર્યા રે લોલ,
રુક્મણી હરણ કરી લીધા મુરલીધરે,
રણ છોડી રણછોડ નામ ધર્યા રે લોલ,
સુદામાના સખા અને મીરાના મોહને,
સમયના સથવારા દીધાં રે લોલ,
દ્રૌપદીના ધાગાની લાજ રાખી કેશવે,
નવસો નવ્વાણુ ચીર પૂર્યા રે લોલ,
અર્જુન કેરા રથડાં હાંક્યા જગન્નાથે,
ગીતા તણા ઉપદેશ દીધાં રે લોલ.
