મોબાઈલની માયા
મોબાઈલની માયા
માયાવી છે આ દુનિયા, તેમાં મોબાઈલની માયા અપરંપાર છે
‘મુઠ્ઠીમાં કરી લીધી દુનિયા', તો પણ આપણી જાણે થઈ હાર છે,
પારકા લાગે પોતાના, એવો પાથર્યો છે માયાવી પ્રકાશ
પોતાના સાથેના સંબંધોમાં સર્જાયો અંધકાર છે,
પોતાની ઉંમરથી ઘણા ‘મોટા’ બની જાય છે આ પેઢીના બાળકો
મોબાઈલના વ્યસન સામે, આજના મા – બાપ જાણે લાચાર છે,
નેટ ના મળે તો થાય ઘાંઘો, બેટરી ઉતરે તો મોઢું જાય ઉતરી
આ મોબાઈલ જાણે કે મનુષ્ય ‘જાતિ’ના ચાર્જરનો અવતાર છે,
જિંદગીના ઘણા બધા સંબંધોને લાવી દીધા છે તૂટવાની અણી પર
બસ, એક માત્ર પાસવર્ડ હાથ પર આવી ગયાની જ વાર છે,
ગઈ પેઢીના હાથમાં જેમ રહેતી ભગવાનને ભજવાની માળા
આ પેઢીએ પકડયું છે મોબાઈલ, જાણે કે પરવરદિગાર છે,
ઘણીબધી વિડંબના છતાં એની ઉપયોગીતાનો ના થઈ શકે ઇન્કાર
મોબાઈલ ને વાપરજો સમજી ને, આ શસ્ત્ર તો બે ધારી તલવાર છે.
