મંઝિલ તો એને મળે
મંઝિલ તો એને મળે
સૂતાં રહો જો સોડ તાણી, સ્વપ્ન ફળશે ના કદી,
પ્રસ્વેદ ના પાડો જરા થઈ આળસુ, જડશે કદી ?
બેસી રહો લમણે ધરી કર, તો રહે છેટાં ઘણાં,
કરવો પડે પરિશ્રમ ઘણો એના વગર મળશે કદી,
રેખા ઘણી વાંકી મળી છે હાથની, બોલ્યાં કરો,
રાખી ભરોસો ભાગ્યનો, કાજ તારા સરશે કદી ?
મંઝિલ તો એને મળે, ધૂની બની મથતાં રહે,
સો ગાઉ છૂટો ખંત રાખી, આંગણે ઢળશે કદી ?
આકાશથી ના ઉતરે, બે હાથ જોડી બેસતાં,
પામી જવા 'શ્રી' લક્ષ્યને દોડ્યાં વગર વરશે કદી ?
