સૌ સંપીને રહીએ
સૌ સંપીને રહીએ


આવો બાંધવ ભેરુ બની સૌ સંપીને રહીએ,
લડાઈ, ઝઘડાં છોડી દઈ સૌ સંપીને રહીએ,
ગીતા, બાઈબલ, કુરાન, શીખવે ના લડાઈ,
ધર્મના નામે લડવું છોડી, સૌ સંપીને રહીએ,
આનંદનો અવસર લાવે છે રોજ નવલા પર્વો,
ઈદ હોય કે હોય દિવાળી, સૌ સંપીને રહીએ,
નફરતનું વાવેતર ભૂંડું, કરશે વિશ્વને વેરાન,
સ્નેહથી સગપણ સાંધી, સૌ સંપીને રહીએ,
રાતા પાણીએ રડાવે એ આયુધનું શું કરીએ,
વિશ્વની આબાદી કાજે, સૌ સંપીને રહીએ,
એક સિક્કાની બે બાજુ, તિલક ને વળી ટોપી,
ભાઈચારાનો ભાવ ધરી, સૌ સંપીને રહીએ,
વસુધૈવ કુટુંબકમ ભાવની, તાતી છે જરૂરિયાત,
આખી પૃથ્વી એક ઘર, માની સૌ સંપીને રહીએ.