સમય તો જાય સરતો
સમય તો જાય સરતો


સમય તો જાય સરતો, બાંધ મુઠ્ઠીમાં હવે,
ફરે પાછો ના કદી એ, નાખ મુઠ્ઠીમાં હવે,
છે બલિહારી ઘણીયે કાળની જાણ્યાં પછી,
ચખાડે હાર તોયે પાળ મુઠ્ઠીમાં હવે,
અધીરા, બ્હાવરા, કહેવત કરી ખોટી તમે,
ખરાં ટાણે ફળે એ શોધ મુઠ્ઠીમાં હવે,
નથી માપી શક્યું ગતિ, વાતની છે ને ખબર ?
કફન વિણ ભૂપ પોઢ્યા, વાંચ મુઠ્ઠીમાં હવે,
જજો ભૂલી તમે 'શ્રી' ભૂત, તો જીવન સરળ,
થશે વર્તમાન સુખમય, રાખ મુઠ્ઠીમાં હવે.