મહામારી
મહામારી
ખાંસીનો ખળભળાટ કૈંક જુદો
ને તાવની તાસીર દીસે અનોખી,
ધ્રૂજે સઘળું લોક જોઈ એકાદ મરીઝ
ડરે ગામ આખું સૂણી આવ્યો કોરોના પેલાને,
વારો હવે આપણો પણ સમજો
છૂપાવ્યું છૂપાયું નહીં ને ભાગ્યા દવાખાને,
જોઈ કતાર મૂર્છિત થયાં બે ચાર દરવાજે
બાર પંદર દોડ્યાં દવા લેવાં,
વીસ પચીસ ગોતવા પ્રાણવાયું બાટલો
એક તૂટેલે મરણ ખાટલે,
દાક્તર પડ્યો હતો કણસતો
નિરોગી દાક્તરની તલાશમાં,
હારી થાકી ખાલી હાથ આવ્યા જયારે
જમ ઊભો તો પાડા ઉપરે,
કૂતરાં ભસતાં'તા યમદૂત જોઈને
સૂનકાર હતું સર્વત્ર,
સન્નાટો વ્યાપ્યો રૂદનના રાગમાં
નનામી લેવાં ભીડ હતી હાટમાં,
ફૂલ તો હવે મળતાં નથી
ડાઘુ ક્યાંય જડતા નથી,
ગણ્યા ગાંઠ્યા બિચારાં દ્વિધામાં
અહીં જવું કે તહીં,
વારો ક્યારે આપણો
મસાણે મસમોટી હાર લાંબી,
સહકારની ભાવના અતિશય અંતે
સમૂહમાં ગોઠવાણી લાશ,
બિચારાને એકલું ના લાગે આગમાં
એટલે બાળે બધાંને ભાગમાં,
માંડ આવ્યાં છે લાગમાં
કોરોનની દાઢમાં,
ખાંસીનો ખળભળાટ કૈંક જુદો
ને તાવની તાસીર દીસે અનોખી,
ઘેર જઈ થાકવું શું કામ ?
વારે ઘડીએ આવવું જવું ભલા !
ડાહ્યાં ડાઘુ રહેવાં મંડ્યા
માની મસાણ ઘર પોતીકું,
ધ્રૂજે સઘળું લોક જોઈ એકાદ મરીઝ
ડરે ગામ આખું સૂણી આવ્યો કોરોના પેલાને,
વારો હવે આપણો પણ સમજો
આવી અમારી મહામારી !

