મૌન બની ગઈ મારી કલમ
મૌન બની ગઈ મારી કલમ
હું તો લખવા બેઠી કવિતા
પણ પતિદેવ કહે 'બનાવો તમે બટેટા'
બટેટા થઈ ગયા ખારા
ને પતિદેવ થઈ ગયા ખાટા
ગુસ્સો જોઈ એનો
મૌન બની ગઈ મારી કલમ
હું તો લખવા બેઠી કવિતા
સાસુ મા કહે ચા બનાવો બેટા
ચા માં ખાંડ પડી ગઈ જાજી
ઉકળી ઉઠયા માજી
ગુસ્સો જોઈ માજીનો
મૌન બની ગઈ મારી કલમ
હું તો લખવા બેઠી કવિતા
સસરા કહે શરબત બનાવો વહુ બેટા
પણ હું તો લઈને બેઠી છાપા
ત્યાં તો ભડક્યા બાપા
બાપાનો ગુસ્સો જોઈ
મૌન બની ગઈ મારી કલમ
મે તો કાગળ કલમ કોરાણે મૂક્યા
ત્યાં દિયર બોલ્યા ક્યાં તમે ચાલ્યા?
કેમ શરબત બટેટા અમને ના મળ્યા ?
એમ કહી દેવરજી ભડક્યા
વિચારો તો રિસાઈને ચાલ્યા
મૌન બની ગઈ મારી કલમ
