મારી કલમે માવડી
મારી કલમે માવડી
માપથી મોટા કપડાં લાવતી,
ફાટેલા કપડાં હેતથી સાંધતી,
યાદ છે મને માવડી મારી દોયેલા દિવસો કેમ રે કાઢતી !
મજૂરી કરી માવડી મારી રૂડી પેનને પાટી લાવતી...!
માંદો પડું હું ને કેટલાય દિવસ તું ના ખાતી
નળ ક્યાં હતા તારા સમયમાં
કૂવાના પાણી કેવા ભરીને લાવતી..
યાદ છે મને માવડી મારી દોયેલા દિવસો કેમ રે કાઢતી !
બાપાએ ચણેલી એ ઓરડીને,
કેવી ગાર માટીથી લીંપીને રાખતી..
દરણાં દળતી દીવાના અજવાળે,
વાર-તહેવારે લીપણ કરતી
યાદ છે મને માવડી મારી દોયેલા દિવસો કેમ રે કાઢતી !
ગરીબી ને ગીત બનાવી કેવું ગુંજન કરતી
માવડી મારી ડગલે ને પગલે કેટલી મુશ્કેલી વેઠતી,
ગમે તેટલી પજવું તોય મને વ્હાલ કરતી
દિલમાં દુ:ખ અને હૈયામાં હામ રાખતી
યાદ છે મને માવડી મારી દોયેલા દિવસો કેમ રે કાઢતી !
આંખો ઓગાળ્યું મુજ ખાતર આંખડી ભીની થાતી,
કેવી અડીખમ જીવન જંગે યોદ્ધાની જેમ લડતી
યાદ છે મને માવડી મારી દોયેલા દિવસો કેમ રે કાઢતી !