ક્યાં છે?
ક્યાં છે?
આ મારી વાત પ્રલંબિત છે, મુખ્તસર ક્યાં છે?
સળંગ સાંભળે એનામાં એ સાબર ક્યાં છે?
ન કોઈ વાતમાં ફરકે છે સ્મિત હોઠો પર,
વિષાદમાં ય હવે આંખ તરબતર ક્યાં છે?
તમારી સાથે ગઈ શહેરની બધો રૌનક;
પહેલા જેવી ગલીમાં અવરજવર ક્યાં છે?
તમારી ઝુલ્ફની ખુશ્બુને વહાવી લાવે,
હવાના હાથમાં એવો હવે હુનર ક્યાં છે?
હજારવાર એના શહેરથી થયો છું પસાર,
છતાંય એને મારી જાણ કે ખબર ક્યાં છે?
હું આખી રાત ભટકતો રહ્યો આ સડકો પર,
પરંતુ કોઈએ પૂછ્યું નહિ કે ઘર ક્યાં છે?
તને હું માંગવા આ હાથ ઉઠાઉં ઉપર;
પરંતુ મારી દુઆમાં હવે અસર ક્યાં છે?
મળી રહ્યા છે પરિચિતોય અજાણ્યા થઇ;
હૃદયમાં સાચવી રાખ્યું’તું એ નગર ક્યાં છે?
હનીફ તુજને પ્રસિદ્ધિ ઘણી ગઝલમાં મળી,
પરંતુ તારી, તારા શહેરને કદર ક્યાં છે?
