કવિતા
કવિતા


હૃદયના ભાવ ને લાગણીના સ્પંદને લખાય કવિતા,
અંતરમાં ઉમડતી ઊર્મિઓ શબ્દોમાં ઢળેને રચાય કવિતા,
ખટમીઠા અનુભવોની અનુભૂતિ, પામે શબ્દ સ્વરૂપ;
આંસુની સ્યાહીથી હૈયાની લાગણીએ લખાય કવિતા,
પરોઢિયે ઊગી રવિ, નવી આશા સંચરિત કરે !
વિનામૂલ્યે લોકોમાં ઉત્સાહ ભરે ને સર્જાય કવિતા !
સર્જનહારે સર્જ્યો ઉછળતો અમાપ રત્નાકર;
કિનારે બેસી કેસરવરણી સંધ્યાએ સર્જાય કવિતા !
વાસના ભૂખ્યા વરુથી ભાગતી કોઈ તનયા જોઉં કે;
જોઉં ક્યાંક ફેલાયેલી અરાજકતા ને લખાય કવિતા !
સુખ-દુઃખ, ખુશી-દર્દ કે હો વિરહ મિલનની કથની;
મનના ગર્ભમાં શબ્દ સ્વરૂપ આકાર પામે ને સર્જાય કવિતા !