વેદનાના વમળો
વેદનાના વમળો


ઉરમાં ઉઠતાં સ્પંદને લખાય કવિતા:
સળવળતી લાગણીએ રચાય કવિતા.
હૈયાથી હોઠ સુધી નાવી, રહી અવ્યક્ત જે;
શબ્દોની સરવાણી ફૂટે ને રચાય કવિતા.
ઊગતા સૂર્યના પ્રથમ કિરણે ખીલે પ્રકૃતિ;
મ્હેંકતા વન ઉપવને કંડારાય કવિતા.
તૃષાતુર સૂકી ધરતીની રડતી તિરાડો પર;
વર્ષા બુંદોની મીઠી ખુશ્બુએ મ્હેંકાય કવિતા.
જોઈ ભોજન કાજ ભૂખથી ટળવળતું કોઈ;
હૃદયથી નીકળે આહ! ને આલેખાય કવિતા.
જોઈ પીડા અન્યની નિજ હ્રદય રડે;
આંખથી આંસુ સરે ને રચાય કવિતા.
દર્દનો દાવાનળ ભીતરમાં સળગે;
વેદનાના વમળોએ સર્જાય કવિતા.