કૃપા કરો ના કેમ
કૃપા કરો ના કેમ
કૃપા કરો ના કેમ, અમ પર કૃપા કરો ના કેમ ?
કૃપા વિના તો ચેન ન અમને, જાય વહી દિન રેન,
તમને પણ ના દઇએ પડવા કૃપા વિના તો ચેન... અમ પર.
દિલને લાગી લગન તમારી, ઝંખે તમને નેન,
દોષ અમારો છે શું એમાં, ચઢયું તમારું ઘેન !... અમ પર.
મમતા બીજી બધીય મારી, થયો તમારો પ્રેમ,
એમાં શો અપરાધ અમારો, બેઠા ટાઢા હેમ... અમ પર.
દિવસ રાત તલસાટ તમારો, તલસે તારક તેમ,
સાગર ગાયે, ગાયે હૈયું નિશદિન તમને એમ... અમ પર.
શાંતિ મળે અમને ના ત્યાં લગ થાક ખવાયે કેમ ?
સુવર્ણ પાસે ચોર સૂતેલો, નિદ્રા આવે કેમ ? અમ પર.
ચિંતામુક્ત બની જાઓ જો પૂર્ણ કરી દો પ્રેમ,
પુકાર પાડ્યા કરશું નિશદિન, નહીં સાંભળો કેમ ? અમ પર.
ખખડાવીશું દ્વાર ખોલશો કદીક તો સપ્રેમ,
પરંતુ આજે આનંદ કરો કેમ અચલની જેમ ? અમ પર.
મળ્યા વિના ના રહી શકીશું, પ્રેમતણો એ નેમ,
વિલંબ થાયે કિન્તુ તમારી કૃપા લજાયે તેમ... અમ પર.
પંડિત તેમ ગુણી ન અમે તો, તપસ્વી નહીં તેમ,
'પાગલ' એક તમારે માટે, બનો ન પાગલ કેમ ?...અમ પર
- શ્રી યોગેશ્વરજી
