જલદી મિલાવો
જલદી મિલાવો
વિખુટા પડ્યાં ઉરોને જલદી હવે મિલાવો,
અળગાં થયાં ઉરોને ઉરમાં હવે શમાવો ....વિખુટાં
રોતી રહે છે આંખો, અશ્રુ બધાં શમાવો,
પોકાર આહ મારી મધુરી હવા જમાવો ....વિખુટાં
રણકે છે રક્ત રોગે, તોફાન શ્વાસોશ્વાસે,
તે સર્વ શાંત કરતાં કીર્તિ અમર કમાઓ ....વિખુટાં
હૈયું મિલાવી હૈયે ને કંઠ કંઠ સાથે,
પ્રેમી જનો મળે તે જોઈ હસો હસાવો ....વિખુટાં
શા કારણે પડયાં છે વિખુટાં ન જાણતાં તે,
ચાહે પરંતુ મળવા, ઉત્સવ હવે મનાવો ....વિખુટાં
તૂટેલ તાર સાંધી સૂરો વહાવે મીઠા,
તે વિરહના સ્વરોને મિલને હવે સુહાવો ....વિખુટાં
પ્રેમી ખરે છે પાકાં, ચાહે છે પૂર્ણ દિલથી,
'પાગલ' તપ્યાં ઘણુંયે, વધુ વાર ના તપાવો ....વિખુટાં
- શ્રી યોગેશ્વરજી