ખેડૂત
ખેડૂત


ધોતી ટોપી ખીંટીયે ટાંગી
કાલથી હવે પહેરશું ડગલો,
જુવાર બાજરી પડતાં મેલ્યાં
સીધા વાવશું ચાસમાં ફદિયાં,
લણણીની હવે ઝંઝટ પૂરી
સીધા ઊગશે અઢળક દોઢિયાં,
હળ ને સાતી શું કામ હાંકવા ?
ચોરે બેસી બડાશ હાંકશું,
પરસેવો હવે પાડવો શાને ?
પર સેવાની લીધી ટેક,
છૂટ્ટા કર્યાં ચાડિયાં ખેતરે
ઊભા કર્યાં ફાડિયાં ગામનાં,
એકની સામે બીજો મેલ્યો
બીજા સામે ત્રીજો જબરો,
એકતા હવે હાથમાં મારાં
લણશું બધાય ખિસ્સા તારાં,
ધોતી ટોપી ખીંટીયે ટાંગી
મહેનત મજૂરી જંજાળ ભાંગી,
કાલથી હવે પહેરશું ડગલો
સફેદ કપડે બનશું બગલો,
જુવાર બાજરી પડતાં મેલ્યાં
સીધા વાવશું ચાસમાં ફદિયાં.