કેવા મારા પ્રભુ છે
કેવા મારા પ્રભુ છે
કેવા મારા પ્રભુ છે સુંદરતાના ધામ !
આનંદના સાગર છે, પ્રેમના તો જામ... કેવા.
દૂર કરે દુઃખ બધાં અચળ દે ઠામ,
પ્રેમથી પોકારે તેને કરે કૃતકામ... કેવા.
વૈભવ ના ચહે યજ્ઞ યોગ તથા જ્ઞાન,
ભાવના ચહે, એને તો પ્રેમ સાથે કામ... કેવા.
જોઇ લોને એને જરી ઉઘાડીને આંખ,
દેખી એને દુનિયામાં કરતાં પ્રણામ... કેવા.
જોતાં ના થકાય, જોઇ મન ના ધરાય,
વૃત્તિઓ વિલોકી એને પામે છે વિરામ... કેવા.
દર્શન કરીને હું તો વારી ગયો આજ,
જેના ગુણ વેદ ગાયે દેવતા તમામ... કેવા.
- શ્રી યોગેશ્વરજી
