ઘર શોધવું છે
ઘર શોધવું છે


ઈંટ, પથ્થર અને માટીનું નહીં,
લાગણીઓનું મારું ઘર શોધવું છે,
બધા બંધનો, બધી જવાબદારીઓથી દૂર,
સ્વતંત્ર મારું ઘર શોધવું છે.
જ્યાં નથી કોઈ સ્વાર્થ કે ના હોય ઈર્ષ્યા,
એવું મારું ઘર શોધવું છે,
વાત્સલ્ય, વ્હાલ અને વિશ્વાસથી,
ભરપૂર મારું ઘર શોધવું છે.
મનુષ્યો દુર અને પ્રકૃતિ સમીપ છે જ્યાં,
ત્યાં મારું ઘર શોધવું છે.,
વિચારોનું પ્રદૂષણ નહીં, શાંતિની સાધના છે જ્યાં,
ત્યાં મારું ઘર શોધવું છે.
બધાની વચ્ચે, બધાની સાથે રહીને,
દૂર થઈ રહી છું મારી જાતથી,
જે મુજને મુજથી સંગમ કરાવે,
એ મારું ઘર શોધવું છે.
ઘર કોઈ સ્થળ હશે, કોઈ વ્યક્તિ,
કે હશે કોઈ વસ્તુ એ તો ખબર નથી,
ઘર ક્યારે મળશે અને કઈ રીતે મળશે,
એ પણ ખબર નથી.
ચાલી નીકળી છું એક ડગર પર જે તરફ પગ વળે,
હું ના શોધી શકું તો કદાચ ઘર જ મને શોધી નીકળે,
એવું સુંદર અને અનોખું મારું ઘર શોધવું છે.