જલસા
જલસા
ખુશ રહેવાનો જીવનમંત્ર છે મારો એ તમને ય આપું,
પૂછે કોઈ તો કહેવું જલસા છે બાપુ..!
મને જ ખબર હોય કે કેમ કરી દા'ડા હું કાપું,
પૂછે કોઈ તો કહેવું
જલસા છે બાપુ..!
તાજા સમાચાર જોવા ભલેને પછી વાંચીએ વાસી છાપું,
પૂછે કોઈ તો કહેવું
જલસા છે બાપુ..!
મરીયલ લોકોને જીવતાં કરવાં પલીતો હું ચાપું,
પૂછે કોઈ તો કહેવું જલસા છે બાપુ..!
ગમે તેવી ઠંડીમાં બીજાને તાપણે હું તાપું,
કોઈ પૂછે તો કહેવું
જલસા છે બાપુ..!
અનૈતિક વાતો કરનારને માથે છાણાં
હું થાપું,
કોઈ પૂછે તો કહેવું
જલસા છે બાપુ..!
વારે તહેવારે વડીલો પાસેથી ઉઘરાવું
હું દાપું,
કોઈ પૂછે તો કહેવું
જલસા છે બાપુ..!
માણસાઈની આંખોથી માણસનું પાણી હું માપું,
કોઈ પૂછે તો કહું જલસા છે બાપુ..!
મગજનું દહી કરતાં અલેલટપ્પુઓથી રસ્તો હું નાપું,
કોઈ પૂછે તો કહું જલસા છે બાપુ..!
ખુશ રહેવાની કારણદર્શક નોટિસનો જવાબ એક જ આપું,
કોઈ પૂછે તો કહેવું જલસા છે બાપુ..!
