ડરામણું
ડરામણું
અકળની અકળામણમાં સૌ અટવાયાં,
ડરામણી અકળ પળોમ
અરે, જન્મ્યાં જ કેમ ?
એ પ્રશ્નમાં સહુ મૂંઝાયા,
જન્મ્યાં છીએ તો જીવવું તો પડશે જ,
ધીમું ઝેર છે પીવું તો પડશે જ,
કર્માકર્મની અકળ ગતિમાં સહુ ટેવાયાં,
જન્માજન્મની અકળ ગતિમાં સહુ સલવાયા,
ધબકતાં હૃદયની હળવીફૂલ લાગણીઓનો ય હવે ભાર લાગે છે,
આંખોની પાંપણ પણ પલકે તો ગભરાટ લાગે છે,
પીઠ પાછળના ઘાથી સહુ ગભરાયાં,
વારંવાર થતા કુઠારાઘાતથી સહુ ઘવાયાં,
શોધી શોધીને થાક્યાં સહુ,
શાસ્ત્રો પુરાણો વાંચ્યાં બહું,
જન્મની આ પળ એવી અકળ મળી,
કે જીવવાની ક્યાંયે કળ ના મળી,
ગયાં ઘણાં ઊંડે સુધી,
તોય ના મળ્યા વિસ્મયના તળ,
પામ્યાં ફક્ત ઘોર નિરાશાના વમળ,
જન્મની અકળ લીલા જાણવાં માટે હવે તો જીવ્યે જ છૂટકો,
આખરી પળ અકળ મૃત્યુની જાણવા માટે પણ હવે મર્યે જ છૂટકો,
જન્મમરણના કારણો રહેશે હંમેશ અકળ,
એને જે ના જાણે એનો ફેરો રહેશે વિફળ.
