જીવ્યો છું
જીવ્યો છું
વ્યથા,વેદના યાતનામાં જીવ્યો છું
ન સમજાય એવી દ્વિધામાં જીવ્યો છું
નથી તો યે ફરિયાદ મને જિંદગીથી
સદા બસ હું સમજૂતીમાં જીવ્યો છું
સુખ છટકી ગયું હાથતાળી દઈને
તો તાળીના એ રણકારે જીવ્યો છું
સળગી ગઈ જો દુનિયા શમણાંઓની
તો પ્રગટેલી રોશનીના સહારે જીવ્યો છું
ચાલો, આંસુઓ હવે કદી નહીં સતાવે
હું દિલને પત્થર બનાવીને જીવ્યો છું
હવે ચાહત જેવું કયાં કંઈ રહ્યું છે
હું મન ને મનાવી મનાવી જીવ્યો છું
ફૂલો ના મળ્યાં તો ન અફસોસ કીધો
કંટકોને હું પ્યારાં કરીને જીવ્યો છું
હવે કોઈ ડર મુજ ને કદી નહીં સતાવે
મોત સાથે મહોબ્બત કરીને જીવ્યો છું
