હાથીભાઇની મોટપ
હાથીભાઇની મોટપ
નાના નાના સસલીબેન,
લઇને બેઠા એવું વેન,
મારે હાથી પર બેસવું,
મારે હાથી પર બેસવું.
સસ્સીરાણી તો મુંઝાણા,
ને મુંઝાણા સસ્સારાણા,
સસલીની નાસમજને શું કહેવું,
સસલીની નાસમજને શું કહેવું,
હાથીભાઇની નીકળે સવારી,
સલામ કરે સૌ વારી વારી,
એને સવારી માટે કેમ કહેવું,
એને સવારી માટે કેમ કહેવું,
સસલીબેન તો રડ્યા કરે,
કારણ વગર બાખડ્યા કરે,
નવડે મીંડે થાય કેમ નેવું,
નવડે મીંડે થાય કેમ નેવું,
હાથીભાઇએ સાંભળી વાત,
કહો અહો એમાં શું વિસાત,
આજે સસલીની સેવામાં રહેવું,
આજે સસલીની સેવામાં રહેવું,
સસલીબેન થઇ ગયા ખુશ,
હાથી પર બેઠા લઇ અંકુશ,
હાથીભાઇની મોટપનું શું કહેવું,
હાથીભાઇની મોટપનું શું કહેવું.
('અડકો દડકો' કાવ્યસંગ્રહમાંથી)
