ગીર
ગીર




શેરીએ સાવજડાં જ્યાં ભગિની ભેળા રમે
હીરણ, શેત્રુંજી, મછુન્દ્રી રૂપેણ ખુલ્લે ભમે,
સુરજ કહે તળિયે જઈ ભોમકાને મળીયે
તેજ રોકે સાગસોટા ભલે અંધારે બળીયે,
ઝરખ, શિયાળ, નોળિયા, ચિત્તળ, સાબર
શાહુડી સસલાં ગીર વસે કોયલ ને કાબર,
સુરનર આવે સાસણ આરોગવા કેસર કેરી
ગીર ગાય ગરમર સાકર શેલડી રણ ભેરી,
જાંબુ બોરડી વડલા આંબલી ઘનઘોર ઝૂમે
નીલગીરી બાવળીયા ઉંચેરા છો આભ ચૂમે,
શેરીએ સાવજડાં જ્યાં ભગિની ભેળા રમે
ગીર નેસડે નમણા નરનાર અતિથિને નમે.