દિશા
દિશા


કર્યો ભ્રમ ઉભો દિશાએ ચાર, આઠ કે દસ,
દઈ દિશા દોરવણી તોડ્યો ભ્રમ મોટો મસ.
હોય જો કોઈ મારી દક્ષિણે ને હું તેની ઉત્તરે,
ઉત્તર ધ્રુવ દિશા બે અંતિમ સપ્તર્ષિ ચિતરે.
દિક્પાલ ઉત્તર કુબેર ઉદીચી નકશા ઉપરે,
મધ્યાહન સમય નિર્દેશ ઘડિયાળને છાપરે.
દિશા દક્ષિણ યમ અવાચી ઉત્તરથી ઊલટે,
શ્રુષ્ટિ માનચિત્ર કાલદ તે સર્વત્ર શિર પલટે.
પૂર્વ ઇન્દ્રપાલ દિશા ઉગમણી પ્રાચી અરુણ,
>વસુધા ધરી ફરતે ફરે દેખી દિવાકર તરુણ.
છે પશ્ચિમ વરુણ આથમણી પ્રતીચી અપારા,
રશ્મિવત અસ્ત વેળા ભાસે પશ્ચિમે અંધારા.
ઈશાન અગ્નિ વાયુ નૈઋત્ય વચ્ચે રચે ખૂણા,
દિશા હીન માનવ રહે સંસારે અતિશય ઉણા.
દિશ બ્રહ્મા ગુરુત્વાકર્ષણ બળ ઉર્ધ્વ અતિ દૂર,
દસમી દિશા વિષ્ણુની નીચે રેખા અધઃ સુદૂર.
કર્યો'તો ભ્રમ ઉભો દિશાએ ચાર, દસ કે આઠ.
ઉકેલ્યો દિશાનો ભ્રમ બતાવી આ વૈભવી ઠાઠ.