દીકરીનું ઘર ક્યાં છે ?
દીકરીનું ઘર ક્યાં છે ?


બહુ પ્રેમ પ્રેમ ગુંજે છે ચારેકોર,
એ હેત ભર્યો સાદ ક્યાં છે,
ભ્રમનાં ભમરમાં ભટકતી રહેતી,
લાગણીઓને શાતા ક્યાં છે..
જે ઝાલીને મોટા થયા,
એ માઁ નો પાલવ ક્યાં છે !
સદા માથે રહેતો હાથ,
હવે એ પિતા તણો સ્પર્શ ક્યાં છે !
જે સાંભળીને હોંકારો કરતા'તા,
હવે એ નામ પણ ક્યાં છે !
આખી જિંદગી ખુદ ને જ શોધે છે,
સ્ત્રીની ખરી પહેચાન પણ ક્યાં છે,
પારકાને પોતાના કરવા ગઈ'તી,
એ બધા ક્યાં છે ?
કહેવાતી લક્ષ્મીનું રૂપ
દીકરી તારું ઘર ક્યાં છે ?
ઈચ્છા મોજ સ્મિત હાસ્ય,
હવે એવા શોખ ક્યાં છે !
બધી લાગણી ઉંબરે છોડી જવું,
પણ પોતાપણાનો રસ્તો ક્યાં છે ?
રહી રહીને એક જ સવાલ થાય છે મનમાં
આખરે દીકરીનું ઘર ક્યાં છે ?