વ્યથિત
વ્યથિત
સ્વજન ગયાં,
આંસુ વહ્યાં,
હૈયાની ભીનાશનાં બિંદુ
અસ્થી કુંભ પર સરતાં રહ્યા.
વરસ આખું હલાવી ગયું,
વૃક્ષો સાથે ઊગતી કુમળી ડાળીઓ રગદોળી ગયું,
પાયમાલ થયાં,
બેહાલ થયાં,
બેઘર, છત વિહોણાં થયાં,
ડબ્બાઓમાં જમા સપનાઓની રકમ પણ લઈ ગયાં.
સપના તૂટયાં,
દિલાસા ખૂટયા,
હાથ લંબાયા,
કંઈક ખેંચાયા,
મૃત્યુનાં ભાવ સમજાયા,
ચિતા પર રોટલીઓ શેકનારા દેખાયા.
દરેક આફતોમાં દુઃખી એક મા જ હતી,
એના આંસુ હવે વાદળોમાં દેખાયા,
એ કહેતાં હતાં,
ફરી વરસીશું
નવજીવન દેવા.
આખરે એ પ્રકૃતિ પણ
મા જ હતી,
રડતી,
સવરતી,
સહન કરતી,
ડૂમો ગળતી.
