દીકરીના લગ્ન-પ્રસંગ પછી
દીકરીના લગ્ન-પ્રસંગ પછી
ઘરનો એક પ્રસંગ હવે ઓછો થયો
આવેલા મહેમાનો આજે વિદાય લેશે
અસ્તવ્યસ્ત થયેલું ઘર,
હવે ચોખ્ખું કરવું પડશે,
માંડવો ને મંડપ,
ચાર દિ'નો હવે આજ ઉતારાશે,
કોણે શું ભેટ દીધી ?
ખોલી ખોલી એની ગણતરી કરાશે,
ઘણે દિ'એ આજ,
ઘરની રસોઈ ખવાશે,
નવા વસ્ત્રો, સૌ અલંકાર,
હવે તિજોરીમાં સિલ થઈ જશે,
વાતાવરણ હવે એકદમ શાંત,
છતાંય,
ઘરની ડેલીએ કોઈની રાહ જોવાશે,
અચાનક,
કોલહાલનો અંત આવ્યો,
ઘરના,
મમ્મીનું બોલવાનું, પપ્પાને વઢવાનું,
ભાઈ જોડે ઝઘડવાનું,
ને દાદીની બે'નપણી
સાથ પગદંડી સૂની ઉજ્જડ થઈ જાશે,
ખબર નહીં કેમ ?
પણ વાત તો સમજો,
સૌથી મોટી બાબત એ,
કે, ઘરનો છોડ ને
તુલસીનો ક્યારો,
હવે બીજે આંગણ જઈ રોપાયો છે,
ને અહીં
વેરાન જંગલ ઊભું થયું છે,
ને પારકું આંગણ જે હવે પોતીકાનું કહેવાય,
ત્યાં હરિયાળી ને લીલોતરી છવાશે.
