ચાલ હવે હું કૃષ્ણ બનું
ચાલ હવે હું કૃષ્ણ બનું
ચાલ, હવે હું કૃષ્ણ બનું, તું જોબનવંતી રાધા,
જળ ભરેલી યમુનાજીના કાંઠા બે ઉભરાતા,
હું ધરું આ વાંસળી, તું મોહક મીઠું સ્મિત,
વૃન્દાવનમાં કદંબ ડાળે ચાલ કરીએ ગીત,
સૂર બનીને આપણ સાથે સદા રહીએ છલકાતા,
ચાલ, હવે હું કૃષ્ણ બનું, તું જોબનવંતી રાધા.
હું ભલે અહીં શ્યામ રહ્યો, પણ તું તો ગોરું ફૂલ,
તારી સાથે જનમ જનમનો સંબંધ રહ્યો કબૂલ,
એકમેકની અડખે-પડખે આપણ બે હરખાતા,
ચાલ, હવે હું કૃષ્ણ બનું, તું જોબનવંતી રાધા.
હું તો નટખટ તોફાની ને તું તો ભીને વાન,
આંખો માંડી હું જોઉં ત્યાં તું તો ભૂલે ભાન,
મોરપીંછનો રંગ ધરી બે હોઠ સદા મલકાતા,
ચાલ, હવે હું કૃષ્ણ બનું, તું જોબનવંતી રાધા.