ચાડિયો
ચાડિયો
ચાડિયાની જેમ ઊભો છું હું,
પણ ચાડિયો નથી હું.
મારા દેશ માટે એક પગે જ ઊભો રહીશ,
જરાય નહીં થાકું,
...પણ, ચાડિયો નથી હું.
માણસની બધી જ સંવેદનાઓ છે મારામાં.
બાજનજરે ટાંપીને જ ઊભો રહીશ,
એક મટકું પણ નહીં મારું,
તૂટી પડીશ હું,
જે મારા દેશની હદમાં આવશે એને પીંખી નાખીશ,
...પણ, ચાડિયો નથી હું.
માણસની બધી સંવેદનાઓ મારામાં પણ છે.
આજીવન દેશને સોંપી દીધું છે મેં,
દેશની સીમાઓની રખેવાળી કરવાનું પણ લીધું છે મેં,
કોઈને નહીં ઘુસવા દઉં,
ચાડિયાની જેમ ઊભો જ રહીશ,
ખડે પગે,
...પણ, ચાડિયો નથી હું.
હું પણ માણસ છું,
માણસની બધી સંવેદનાઓ છે મારામાં
સૈનિક છું હું,
દુશ્મન દેશના સૈનિકને મારતાં માણસ મટી જાઉં છું,
ચાડિયા જેવો થઈ જાઉં છું, જડ, સાવ જડ.
મટી જાઉં છું હું માણસ અને
બની જાઉં છું હું સૈનિક
એક નીડર સૈનિક...
