ભીંજાવું ગમશે તુજ નેહે
ભીંજાવું ગમશે તુજ નેહે
અષાઢી આમંત્રણ, ઉરથી આપું છું ઓ રે પ્રીતમજી !
હેલી થઈ ભીંજવને તન તુું, માંગુ છું ઓ રે પ્રીતમજી !
વ્હાલા વરસાદ બની વરસી જાજો, મૂકી અંતરનાં વાદો !
ભીંજાવું ગમશે તુજ નેહે, રાચું છું ઓ રે પ્રીતમજી !
મદભર મોસમ ખીલી છે વાલમ ! ભીના સ્પર્શો દે તું કાયમ,
પરદેશી થઈ ના પીડો તન, યાચું છું ઓ રે પ્રીતમજી !
અનરાધાર અહીં વરસે મેહુલો, લોચન રોતા રાતે પાણી,
તડપન ટાળ વિયોગીની બસ, ઝંખુ છું ઓ રે પ્રીતમજી !
સંદેશો દીધો મેં વાદળ સંગાથે; શાને ના વાંચ્યો ?
સમજો 'શ્રી' ના દિલની વાતો, ઈચ્છું છું ઓ રે પ્રીતમજી !
