બારીની બહાર
બારીની બહાર
બારીએ બેસી મે સુંદર અદ્ભૂત દૃશ્ય માણ્યું,
ઈશ્વરીય સર્જનને મનની આંખોથી જાણ્યું,
આંબા ડાળે બેઠી કોયલ કુંજન કરે,
જોને બાગે પેલા ભમરાઓ ગુંજન કરે,
ફૂલોથી લચેલી ડાળીઓ જોને કેવી ઝૂલે !
જોઈ આ દૃશ્ય, મન મારું બધી પીડા ભૂલે,
જોને રંગબેરંગી પતંગિયા ફૂલોનું માથું ચૂમે,
જોઈ આ ખૂબસૂરત દૃશ્ય મન મારું ડોલે,
કિલ્લોલ કરતા પંખીઓ ગુંજવે આંબાવાડી,
જાણે સાંજે તો પહેરી મજાની કેસરી સાડી !
લજામણી તો અડતા જ લજાઈ જાય,
ભમરાનાં સ્પર્શે ફૂલો કેવા શરમાઈ જાય !
સૂરજ ઊગતા સૂરજમુખીનું મોં મલકાય,
જાણે એના અંગ અંગમાં ઉમંગ છલકાય,
પંખીના કલશોરથી વૃક્ષનું હૈયું હરખાય,
જેમ કોઈ સંતાનના સુખે માંનું મો મલકાય,
બારી બહાર જોયું કુદરતનું અદ્ભૂત સર્જન,
જાણે ભવોભવની પીડા ભૂલી ગયું મારું મન.
