mariyam dhupli

Abstract Drama

4.2  

mariyam dhupli

Abstract Drama

વાડ

વાડ

2 mins
278


ઘરની ચારે તરફ વાડ હતી. વાછરડું અહીંથી ત્યાં મુક્ત થવા દોડાદોડી કરી રહ્યું હતું. ગમે તેમ કરી એ વાડની બહાર નીકળી જવા પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ વાડ અતિચુસ્ત હતી. વાડ ઉપર જડાયેલા તીક્ષ્ણ તાર ધારદાર હતા. શરીર સ્પર્શતાજ નિર્દયપણે જીવ કાઢી નાખતા હતા. 

એજ સમયે ઘરની અંદરના નાનકડા રસોડામાં નવપરણિત યુવતીના હાથ રસોઈ બનાવવામાં વ્યસ્ત હતા. પાછળ આવી ઊભેલો નવયુવાન રસોડાની બહાર પોતાનો અવાજ ન પહોંચે એ રીતે તદ્દન ધીમા છતાં આધિપત્ય સભર સ્વરમાં પોતાનો નિર્ણય સંભળાવી રહ્યો હતો. 

" તને નોકરી કરવાની કોઈ જરૂર નથી. બા બાપુને એ મંજૂર નથી. ને હું કમાઉં છું. મારા પરિવારની સંભાળ લઈ શકું છું. તું ઘર સંભાળ એ જ પૂરતું છે. "

યુવક રસોડામાંથી બહાર નીકળી ગયો. રસોડાનું બારણું કડક હાથ વડે બંધ થયું. એ બંધ રસોડામાં રોટલી વણી રહેલા હાથ છણકા જોડે વધુ ઝડપથી લોટ પર પ્રહાર કરવા માંડ્યા. 

બહાર વાડના ચુસ્ત ઘેરાથી હાર સ્વીકારી ચૂકેલું વાછરડું અથાગ પ્રયત્નોને અંતે એક ખૂણે શાંત ઊભું રહી ગયું. 

વર્ષો પછી...

રસોડામાં સફેદ સાડી પહેરી ઊભી વૃદ્ધ સ્ત્રી 

લોટ પર પ્રહાર કરતી રોટલી તૈયાર કરવાની પૂર્વ તૈયારી કરી રહી હતી. આંખોમાં વર્ષો જૂની હતાશા ઘેરાયેલી હતી. શરીરના હાવભાવો અસ્વીકૃતિ અને નારાજગીના સ્પષ્ટ દર્શન કરાવી રહ્યા હતા. પાછળ ઊભો યુવાન પોતાનો અવાજ રસોડાની બહાર ન નીકળે એ રીતે ધીમા સ્વરમાં સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

" મમ્મી, રેવતી તો ફક્ત એટલુંજ...."

" સ્ત્રી કેટલી પણ પ્રગતિ કરે એનું સાચું સ્થળ તો રસોડું જ છે. બે વર્ષ થઈ ગયા લગ્નને. હજી સુધી ઘરમાં પારણું બંધાયું નથી. "

" સમય બદલાઈ ગયો છે, મમ્મી. આજની યુવતીઓ તો...."

લોટ બાંધી રહેલા હાથ થોડા સમય માટે થંભી ગયા. બે પહોળી આંખો યુવકને મૌન બનાવી ગઈ. નકારમાં માથું ધુણાવતો એ રસોડામાંથી બહાર નીકળી ગયો. 

થોડી ક્ષણો બાદ રસોડાની બારીમાંથી વૃદ્ધ સ્ત્રીની નજર બહાર ડોકાઈ. મોટરસાયકલ ઘરના પ્રાંગણમાંથી બહાર નીકળી રહી હતી. પાછળની સીટ ઉપરથી યુવકના ખભે ટેકવાયેલા યુવતીના હાથમાં તાજી મહેંદી શોભી રહી હતી. ગળામાં મંગળસૂત્ર, સેંથામાં સિંદૂર અને બીજા હાથમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટેની ફાઈલ સંભાળીને થમાઈ હતી. 

વૃદ્ધ શ્વાસ ફૂલીને ગરજી પડ્યો. બ્લડ પ્રેશરની ટીકડી લોટવાળા હાથે મોઢામાં મૂકી ગ્લાસમાંનું પાણી અન્નનળીમાંથી એકજ ઘૂંટડામાં નીચે ઉતરી ગયું. રસોડાનું બારણું ચોપાટ ખુલ્લું હતું. એ બારણાં તરફ પીઠ રાખી ફરીથી વૃદ્ધ શરીર લોટ પર પ્રહાર કરવામાં વ્યસ્ત થયું. 

એ સમયે ઘરના પ્રાંગણમાં ગાય પોતાના નિયત સ્થળે નિષ્ક્રિય બેઠી હતી. ન એને બાંધવામાં આવી હતી, ન કોઈ ઘેરાની જરૂર હતી. પેલી જૂની વાડ તો ક્યારની કાઢી નાખવામાં આવી હતી. વર્ષોથી એ વાડથી ટેવાય ગયેલી ગાય હવે ક્યાં જવાની હતી ?


Rate this content
Log in

Similar gujarati story from Abstract