mariyam dhupli

Abstract Drama Inspirational

4.5  

mariyam dhupli

Abstract Drama Inspirational

સાંભળ

સાંભળ

2 mins
393


"સાંભળ, "

દરવાજે ઓફિસની બેગ લઈ કડક શર્ટ, ઈસ્ત્રીવાળી પેન્ટ અને ચળકતા કાળા બુટ પહેરી ઊભા પુરુષના મોઢામાંથી બોલાયેલો એક શબ્દ સાંભળી સ્ત્રી બધુજ પડતું મૂકી દોડતા ડગલે નજીક આવી પહોંચી. લાલ સાડી, લાલ લિપસ્ટિક, લાલ સિંદૂર, લાલ બંગડીઓ, લાલ મહેંદી...

" આજે મોડું થશે. બહાર જમી લઈશ. લાઈટબીલ પાસે પૈસા મૂક્યા છે. ભરી આવજે. નહીંતર વીજળી કપાઈ જશે. "

ઝીલાયેલા શબ્દો થકી બધોજ જોમ શમાઈને અંતરમાં દટાઈ ગયો. ચહેરાનું તેજ ઊડી ગયું અને ધીમા ડગલાં ઘરની અંદરની દિશામાં વળી ગયા. 

..

" સાંભળ, "

એક શબ્દ થકી હજારો આશનો સમુદ્ર મનમાં ઉછળી પડ્યો. ઉછળતા ડગલે એ ફરી ઘરના દરવાજા નજીક ઊભા ઔપચારિક વસ્ત્રોમાં મઢાયેલ વ્યક્તિત્વ સુધી પહોંચી. 

" આજે સાંજે મિત્રો ઘરે આવવાના છે. રસોઈ કરી મૂકજે. "

કઠપૂતળી જેમ ડોકું હલ્યું અને ધીમા ડગલાં ઘરની અંદર તરફ વળી ગયા.

..

"સાંભળ, "

'આશા અમર છે'નું રટણ કરતું મન ઉત્સાહિત ધબકાર જોડે દરવાજા નજીક પહોંચ્યું. એક હાથમાં બેગ થામી બીજા હાથ વડે શર્ટની ટાઈ વ્યવસ્થિત થઈ.

" પાછળ સ્ટોરરૂમમાં કેટલી ધૂળ ભેગી થઈ છે ! આજે યાદ રાખીને સાફસફાઈ કરી નાખજે. "

ન તો ડોકું હલ્યું, ન ચહેરા ઉપર કોઈ પ્રતિભાવ ઘેરાયા. શૂન્યમનસ્ક ડગલાં નિર્જીવપણે ઘરની અંદર તરફ વળી ગયા. 

..

" સાંભળ, "

ધીમા ધીમા ડગલાં દરવાજા નજીક પહોંચ્યા. નિસ્તેજ ચહેરો, પરસેવાવાળું શરીર અને થાકેલું મન દરવાજા પાસે ઠાઠથી ઊભા ચળકતા વ્યક્તિત્વ આગળ આવી ઊભું રહ્યું. 

" આજે રેઝિગ્નેશન લેટર આપી આવજે. હવે તારાથી નહીં થાય. "

ઉપસી આવેલા ગર્ભ ઉપર એક જડ હાથ આવી ગોઠવાયો અને નિષ્પ્રાણ ડગલાં ઘરની અંદર તરફ સંકેલાઈ ગયા. 

..

" સાંભળ, "

દરવાજા પાસે પહોંચી હાથમાંના સતત રડી રહેલા બાળકના આક્રંદ વચ્ચેથી સામે તરફથી છૂટી રહેલા શબ્દો ઉપર કાન સરવા થયા. 

" કાલે મિત્રો જોડે હાઈકીંગનો પ્રોગ્રામ છે. મારું કીટ તૈયાર રાખજે. "

સતત રડી રહેલા બાળકને હેમખેમ શાંત કરવાના તાણયુક્ત પ્રયાસ જોડે ચિંતિત ચહેરો ઘરની અંદર તરફ વળી ગયો.

..

" સાંભળ," 

ઉંમર કરતા વધુ દેખાતી આયુ સાથે મૃત હૈયું દરવાજા નજીક કમને પહોંચ્યું.

" આજે કીર્તિને જોવા છોકરો આવવાનો છે. તૈયાર રાખજે. હવે ભણવાનું બહુ થયું. ઘરનું કામકાજ શીખવવા માંડ. " 

શોક્ગ્રસ્ત મૃત ડગલાં દરવાજા પાસેજ જડાઈ ગયા. 

..

" સાંભળ, "

સુંદર સાડી, કાળજી લીધેલા વાળ, આંગળીમાં નેઈલપોલિશ, આંખોમાં કાજળ અને વર્ષો પછી ચહેરાને સ્પર્શેલું મેકઅપ અને સ્મિત...

" આઈ લવ યુ ! "

અરીસામાં ઊભું પ્રતિબિંબ ઝળહળી ઉઠ્યું. 

દરવાજા તરફથી અવાજ ગૂંજયો. 

" મમ્મી, આમ ગેટિંગ લેટ. "

અરીસામાંથી નજર હટી આસપાસ ફરી. પથારી ઉપર તૈયાર રાખેલ પર્સ ઉઠાવી એણે ઝડપથી ખભે ભેરવ્યો. દરવાજા પાસે પહોંચી ભાડે રાખેલ ફ્લેટને તાળું માર્યું. 

" ચલ, તને પહેલા કોલેજ મૂકી દઉં. આજે મારે પણ જલ્દી ઓફિસ જવાનું છે. "

ઉત્સાહ અને જોમમાં ઉછળતા ડગલાં સ્કૂટી સુધી પહોંચી ગયા. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract