Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

mariyam dhupli

Classics Inspirational


4  

mariyam dhupli

Classics Inspirational


રોકાણ

રોકાણ

5 mins 376 5 mins 376

પોતાના આછા અંધકારભર્યા ઓરડામાં એમને બહાર તરફથી કંઈક અવાજ સંભળાયો. ધીમે રહી તેઓ ઓરડાની બારી સુધી પહોંચ્યા. પરદો ધીરેથી એકતરફ હડસેલ્યો. સામે તરફનાં મકાનનો દરવાજો ચોપાટ ખુલ્લો હતો. આંખો સામેના દ્રશ્ય ઉપર એમની નજર હેરતથી ચોંટી ગઈ. પહોળી આંખો સામે વર્ષોથી પોતાના મકાનમાં સતત ચાલતો સંઘર્ષ તરી આવ્યો. 

"હું હવે થાકી ગઈ છું. બહુ થયું. તમને જે કરવું હોય એ કરો. એમ પણ તમને કશું કહેવાથી કોઈ ફાયદો ખરો ? આખરે તો તમે તમારી મરજીનું જ કરવાના. કોઈનું સાંભળો છો ખરા ?"

"તમને બધાને વસ્તુની કોઈ કિંમતજ નથી. આ બધું વસાવ્યું છે મેં. મારા લોહી પસીનાની કમાઈ ખર્ચાઈ છે. આમને આમ બધું ઉંચકી બહાર કેમ ફેંકી દેવાય ?"

"પણ સમય જોડે બદલાવું પડે. જે વસ્તુઓ કશી કામની નથી. વર્ષોથી આમની આમ પડી રહી છે. એનો નિકાલ તો લાવવોજ પડે. ખોટી જગ્યા રોકાય છે. એમ પણ નાનું અમથું મકાન. ને હવે દીકરાના દીકરા થયા. એમનું કુટુંબ વિસ્તરે તો એમને પણ નવી વસ્તુઓ માટે જગ્યા જોઈએ કે નહીં ઘરમાં ?"

"તે મેં ક્યાં ના પાડી છે ? ભલે નવી વસ્તુઓ વસાવો. પણ એનો અર્થ એ તો નથી કે જૂની વસ્તુઓ કચરા જેમ ફેંકી દેવી. "

"કચરો નથી તો બીજું શું છે ? જે પડી રહે પણ વપરાશમાં ન આવે. એને બીજું શું કહેવું ?" 

"એટલે તારા મતે બધાજ સંગ્રહાલય કચરાપેટી છે ?"

"ઓ દિનાકર સાહેબ. આ મારુ ઘર છે. સંગ્રહાલય નથી. ને એમ પણ સંગ્રહાલયમાં સચવાયેલી વસ્તુઓનું ઐતિહાસિક મહત્વ હોય. પણ તમારો આ બધો ગંદવાડ ભંગારમાં વેચીએ તોય ફૂટી કોડી ન મળે. "

"અરે ભાગ્યવાન ! સંઘરેલો સાંપ પણ કામનો. ખબર નહીં ક્યારે કઈ વસ્તુની જરૂર નીકળી આવે ?"

"ના, ના. એવી કોઈ ઇમર્જન્સી નથી આવવાની જેમાં આ બધો કચરો અમારો જીવ બચાવવા આવવાનો હોય. આ જૂઓ તો ખરા. શું શું ભેગું કરી રાખ્યું છે ? દવાની ખાલી શીશીઓ, કેટલા જૂના સમાચારપત્રો, નાના મોટા ઢાંકણાઓ, પુઠ્ઠાઓ, પથ્થરના ટુકડાઓ, લગ્નની કંકોત્રીઓ, આ વર્ષો પુરાણો લંગડો ટેબલ અને જેનો હાથો કદી મળવાનો નથી એવી એક હાથ વાળી આ આરામ ખુરશી, પેલા કાટ ખાઈ ગયેલ વાસણ અને સાંધી ન શકાય એવો ખૂણે ઉભો બધો કાટમાળ, આ પુસ્તકોનો ઢગલો.....ઉફ્ફ....."

"પુસ્તકોમાં સરસ્વતીનો વાસ હોય છે, રમા."

"તો અન્ય ઉપર પણ સરસ્વતીના આશીર્વાદ વરસવાની તક આપો ને. આમાંથી એક પણ પુસ્તક વર્ષોથી તમારા હાથમાં તો જોયું નથી. ને હજી તો અલમારી જોવા જેવી છે. કેટલા બધા કપડાં એમના એમ પડ્યા છે. જે ન પહેરવાના હોય એ અન્યને આપી ન દેવાય ? આ ઘરે લાખી કામ કરવા આવે છે. એને આપીએ તો હોંશે હોંશે લઇ જશે. એનો ગરીબ પતિ મોજથી પહેરશે. આ અલમારીમાં પડ્યા પડ્યા સડી જાય એના કરતા કોઈના શરીર ઢાંકે ને કોઈના મનમાંથી દુઆ નીકળે. એ દુઆ ખબર નહીં ક્યાં કામ લાગી આવે ?"

"પણ રમા એમાં મોટાભાગના હજી બહુ પહેર્યાજ નથી. હવે ધીરે ધીરે પહેરીશ."

"દર વખતે આજ બહાના. સાચી વાત તો એજ કે તમારો જીવ કેદ ભરાયો છે આ બધી વસ્તુઓમાં. તમારો મોટા ભાગનો સમય આ નકામા કચરા પાછળ વ્યર્થ રોકાણ પામે છે. તમને હજી એ સ્વીકારવું નથી. આખો દિવસ બેઠા બેઠા બધી વસ્તુઓ અહીંથી ત્યાં કરતા રહો છો. થાક નથી લાગતો ? મને તો જોઈનેજ થાક લાગે છે. "

"અરે...રે...આ ત્રાજવું અહીંજ રહેવા દે. આમ ક્યાં લઇ જાય છે ?" 

"એ નડે છે મને. આ અહીં જગ્યા છે આ જૂનું ત્રાજવું લટકાવવાની ? આવતા જતા માથે ઠોકાય છે. "

"તો ક્યાં રાખું ? "

"ઘરની બહાર."

"તો ઠીક છે. હું રમણીકને વેચી દઈશ. ક્યારનો મારી પાસે ખરીદવા ઈચ્છે છે. એને આની સાચી કિંમત છે. "

"તમે ને રમણીકભાઇ એકજ વાંસના ટોકરા છો. બિચારા સુરભીભાભીની પરિસ્થિતિ પણ તદ્દન મારા જેવીજ છે. એમનું ઘર પણ આમજ જીવ ઉપર ઉભરાઈ રહ્યું છે.  મારો ભાઈ કહેતા કહેતા થાક્યો. એનો આવડો મોટો ટ્રક છે. એક દિવસનું કામ છે. બધો કચરો ચઢાવી દો ટ્રક ઉપર. કાયમ માટે નિકાલ આવી જાય. ઘરમાં થોડી મોકળાશ થાય. નહીંતર આમજ ઉભરાતું જશે તો એક દિવસ કામની વસ્તુઓ માટે ન કોઈ સ્થળ વધશે, ન ચાલવા માટે જગ્યા. ને એમ પણ જૂનું જાય તો નવાનું સ્થળ બને. "

"મમ્મી, આ રેવતીને કહો તો. હું રસોડામાં છું. એ ફરી મોબાઈલ પકડી બેસી ગઈ છે. "

"રેવતી, એ રેવતી. મોબાઈલ મૂકી દો તો બેટા. આમ આખો દિવસ નકામી વસ્તુઓ નિહાળ્યા કરીએ તો આંખ અને મગજ બન્ને ઉપર આડઅસર થાય. " 

એ શબ્દો પોતાના માટે હતા કે રેવતી માટે ? 

બારીમાંથી નિહાળેલ દ્રશ્યથી મન સ્તબ્ધ થઇ બેઠું હતું. ભૂતકાળના સંવાદોએ મગજમાં પુનરાવર્તન પામી ઘા ઉપર મીઠું ભભરાવી નાખ્યું. મનની વ્યાકુળતા અસહ્ય થતા એમણે ધીમે રહી બારી વાંસી દીધી.  ઓરડાના ખૂણામાંથી પુસ્તકોના પર્વતને એક ખોખાની અંદર સમાવી લીધા. બારણું ખોલી ધીમે ડગલે તેઓ રસોડા તરફ આગળ વધ્યા. 

"રમા હું જરા લાઈબ્રેરી જઈ આવ છું. આ પુસ્તકો આમજ પડ્યા છે. એ દાન કરી દઉં. કોઈ એમાંથી બે શબ્દ વાંચશે તો....."

લાંબા સમયથી રોકી રાખેલું ડૂસકું કોઈની નજરે ન ચઢાય એમ શીઘ્ર ગળા નીચે ઉતરી ગયું. પતિના શબ્દોથી અવાક રમાબહેન અજાયબી નિહાળતા હોય એમ પતિના હાથમાંના ખોખાને નિહાળી રહ્યા. રસોડાનું કાર્ય શોકથી અટકી પડ્યું. 

આગળ વધી ગયેલા ડગલાં ફરી પાછા રસોડાની દિશામાં ફર્યા. સાસુ વહુની નજર અવિશ્વાસ જોડે ફરીથી એમના ઉપર આવી ઠરી. 

"ને તું તારા ભાઈને કહેજે કે આ રવિવારે ટ્રક મોકલાવી દે. જે કાઢવા જેવું હોય એ કાઢી નાખીએ. અલમારીમાં જે પડી રહ્યા હોય એવા કપડાં લાખીને આપી દેજે. "

રમા બહેનનું માથું નિઃશબ્દ આશ્ચર્ય જોડે હામીમાં ધૂણી ઉઠ્યું.

"હું રેવતીને સાથે લઇ જાઉં છું. પરત થતી વખતે બગીચામાં રમવા લઇ જઈશ. "

દાદાના શબ્દો સાંભળી ખુશીથી ઉછળતી રેવતી પોતાનો મોબાઈલ એકતરફ છોડી ચપ્પલ પહેરવા દોડી. વહુના મોઢા ઉપર સંતોષ અને ખુશી એકસાથે ધસી આવ્યા.  પુસ્તકોનું ખોખું વ્યવસ્થિત કરતા એમના ડગલાં ધીરે ધીરે પોતાના મકાન તરફથી સામેની દિશામાં આગળ વધ્યા. 

"સંભાળીને કાકા...."

રમણીકભાઇનાં મકાનમાંથી બહાર નીકળી રહેલા બે કદાવર પુરુષોએ પોતાના હાથમાં સંતુલિત કરેલી લાકડાની જર્જરિત ખુરશીને સામે ઉભા ટ્રક ઉપર લાદી દીધી. ઠસોઠસ ભરેલા ટ્રક ઉપર એ સૌથી ટોચ ઉપર જઈ પડી. એની પડખે પોતાનું રમણિકભાઈને વેચી દીધેલ કાટ ખાધેલ જૂનું ત્રાજવું હેમખેમ સંતુલન સાધતું પડ્યું હતું. મકાનના ઓટલે ઉભા સુરભીભાભી એ એમને નિહાળીને અભિવાદનમાં માથું હલાવ્યું. એમની આંખોમાં અનેરી મુક્તિનો અહેસાસ છલકાઈ રહ્યો હતો. ધીમે ધીમે આગળ વધતા એક અછડતી નજર રમણિકભાઈના મકાનની અંદર લટાર લઇ આવી. ઘરની અંદર કેટલી મોકળાશ દેખાઈ રહી હતી ! 

કશું ન દેખાઈ રહ્યું હતું તો એ રમણીકલાલનો એ સંગ્રહ - ખજાનો જેની પાછળ એણે વર્ષોના સમયનું રોકાણ કર્યુ હતું અને રમણિકલાલ પોતે.  ફક્ત પંદર દિવસ થયા હતા એને સ્વર્ગ સીધારવાને.....

એક કલાક પછી દિનાકર સાહેબ બગીચામાં હતા. રેવતી આનંદમાં ચીસો પાડી રહી હતી. 

"દાદાજી હજી ઊંચે......"

એમનાં હાથ રેવતીના ઉત્સાહ જોડે બમણા જોશમાં હિંચકાને ધક્કો આપી રહ્યા હતા. હિંચકા ઉપર રેવતી બેઠી હતી. પરંતુ એમનો જીવ મુક્તિના હિલોળા લઇ રહ્યો હતો. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Classics