મામા ભાણેજ
મામા ભાણેજ
એક હતા રતનશેઠ. ભારે કંજૂસ. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. પચાસ રુપિયા વાપરવાની જરુર હોય ત્યાં પાંચ રુપિયા વાપરે. તેમનો એકનો એક દિકરો માધવ પણ તેના માટેય પૈસા ન વાપરે. આખી દુનિયા મોબાઇલ વાપરે પણ રતન શેઠ તેને મોબાઇલ ન લાવી આપે. પોતે ય જૂનો મોબાઇલ વાપરે. ઘરની ચીજ વસ્તુઓમાંય કંજૂસાઇ કરે. તેથી મનોરમા શેઠાણી ય તેનાથી કંટાળી ગયા હતા.
એક વાર શેઠને ત્યાં શેઠાણીના મામા આવ્યા. મહેમાન તો શેઠને જરાય ન ગમે. મહેમાન આવે એટલે ખર્ચ થાય. મામાએ શેઠાણીની પરિસ્થિતિ જોઇ. મામા મૂળ નાટકના જીવ થોડી હાથ ચાલાકીય જાણે. મામાએ શેઠને સુધારવા એક યુક્તિ વિચારીને શેઠાણીને કહી. શેઠાણી તો એ સાંભળી ખુશ થઇ ગયા. મામાને સાથ આપવા તૈયાર થઇ ગયા.
બીજે દિવસે શેઠ પૈસા ક્યાંથી અને કેમ આવે તેનો વિચાર કરતા હતા ત્યાં મામા વેશ બદલીને આવ્યા. શેઠ મામાને ઓળખી ન શક્યા. મામાએ પોતાનો ખેલ બતાવવાનો શરુ કર્યો. શેઠની નજર સામે જ મામાએ પાંચસો રુપિયાના ડબલ કર્યા. શેઠ તો જોઇ જ રહ્યાં. ત્યાર પછી મામાજીએ એક હજાર રુપિયાના બે હજાર રુપિયા કર્યાં. શેઠને થોડો વિશ્વાસ બેઠો. શેઠે પોતાના પાંચ હજાર રુપિયા આપ્યાં મામાએ તરત તેના ડબલ કરી આપ્યા. શેઠને લાલચ જાગી. શેઠાણીને અંદરથી બોલાવ્યાં મામાએ શેઠાણીને ય પોતાનો ખેલ બતાવ્યો. શેઠ ઘરમાંથી દસ લાખ રુપિયા લઇ આવ્યા. અને તેના ડબલ કરવાનું કહ્યું. શેઠાણીએ તેને બહું વાર્યાં પણ શેઠ માન્યા નહીં. મામા કહે, "અટલી મોટી રકમ આમા તો ખૂબ સમય લાગે અને ધીરજ જોઇએ. જો ધીરજ ખોશો તો છે તે રુપિયા પણ જતા રહેશે.” પણ શેઠ માન્યા નહીં મામાએ ઘરમાંથી થોડું સોનું અને એક ખાલી ડબ્બો લાવવાનું કહ્યું શેઠાણી ઘરમાંથી સોનું અન
ે ખાલી ડબ્બો લાવ્યા મામાએ શેઠની નજર સામે દસ લાખ રુપિયા અને સોનું ડબ્બામાં મૂક્યા. અને અડધો કલાક પછી તે ડ્બ્બો ખોલવાનું કહ્યું અને મામા જતા રહ્યાં. શેઠનું ધ્યાન નહોતું તેમ મામા ઉપરના માળે જતા રહ્યાં.
શેઠે અડધી કલાક પછી ડબ્બો ખોલ્યો તો ડબ્બો ખાલી હતો. તેમાં રુપિયા કે સોનું કશું નહોતું. શેઠને તો આઘાત લાગ્યો થોડી વાર તો કશુ ન બોલી શક્યા પછી શેઠાણીને કહ્યું "આપણે પોલીસમાં ફરિયાદ કરીએ" પણ શેઠાણીએ ના પાડી શેઠાણીએ કહ્યું, "હવે પૈસા તો પાછા નહીં મળે અને લોકો આપણને મુરખ કહેશે" એટલામાં મામા ઉપરના માળેથી વેશ બદલીને આવ્યા શેઠાણીએ તેને બધી વાત કરી. મામાએ શેઠને પૂછ્યું, "એ માણસ ફરી મળે તો તમે તેને ઓળખી શકો?" શેઠ કહે, "એ માણસને તો હું ક્યારેય ન ભૂલું." શેઠાણી અને મામા મનમાં હસવા લાગ્યા.
શેઠને ખૂબ પસ્તાવો થયો. પોતે અત્યાર સુધી પોતાના માટે કે ઘરના લોકો માટે પૈસા વાપર્યા નહીં અને એક અજાણ્યો માણસ તેના પૈસા લૂંટી ગયો. શેઠનો સ્વભાવ સુધરી ગયો હવે તે ખોટી કરકસર કરતા નહીં અને દાન ધરમ પણ કરતા.
મામાના ઘેર જવાનો દિવસ નજીક આવ્યો. શેઠ હીંચકે ઝૂલતા હતા ત્યારે મામા શેઠની નજર સામે જ તે દિવસે પહેરેલો તે વેશ પહેરવા લાગ્યાં. લાંબો ડગલો અને પાઘડી પહેરી. દાઢી મૂંછ લગાવ્યા. શેઠ તો જોઇ જ રહ્યાં ને પછી હસતા હસતા બોલ્યા, "મામા, તમે હતા?" મામા કહે, "હા હું જ હતો. લ્યો આ તમારા દસ લાખ રુપિયા" શેઠે હસતા હસતા કહ્યું, "એના ડબલ નહીં થાય?" મામાએ કહ્યું," લાવો ખાલી ડબ્બો અને સોનુ" શેઠે કહ્યું, "હવે તેની જરુર નથી. તમે મારી આંખ ખોલી નાખી. મારી ખુશી ડબલ થઇ ગઇ." શેઠ અને શેઠાણીએ મામાનો અભાર માન્યો.